[1] “આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.
[2] બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું.
[3] ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
[4] હે એફ્રાઇમ હું તને શું કરું? હે યહૂદિયા હું તને શું કરું? તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
[5] માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
[6] કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ, દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
[7] તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
[8] ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે.
[9] જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે; તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
[10] ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
[11] હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.