Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:23

[1] હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું.

[2] હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.

[3] ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો,

[4] જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે.

[5] ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

[6] મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો.

[7] એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.

[8] પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.

[9] જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.

[10] તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.

[11] પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી.

[12] કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.

[13] હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો.

[14] અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.

[15] પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું

[16] કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ,

[17] કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.

[18] ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો;

[19] પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો.

[20] જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.

[21] પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો.

[22] અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી.

[23] તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે.

[24] મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.

ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર — Chapters