Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:21

[1] “તું ઇઝરાયલના આગેવાનો માટે વિલાપ કર.

[2] અને કહે, ‘તારી માતા કોણ હતી? તે તો સિંહણ હતી, તે જુવાન સિંહોની સાથે પડી રહેતી હતી; તે સિંહોનાં ટોળાંમાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.

[3] તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો, તે શિકાર પકડતાં શીખ્યો. તે માણસોનો ભક્ષ કરવા લાગ્યો.

[4] બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા.

[5] જ્યારે તેણે જોયું કે તેની આશાઓ રદ થઈ છે ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક બચ્ચું લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.

[6] તે સિંહોની સાથે ફરવા લાગ્યો. તે જુવાન સિંહ બન્યો અને તે શિકાર પકડતાં શીખ્યો; માણસોનો ભક્ષ કરવા લાગ્યો.

[7] તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં. અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.

[8] પણ વિદેશી પ્રજાઓના લોકો આજુબાજુના પ્રાંતોમાંથી તેના પર ચઢી આવ્યા. તેઓએ તેના પર જાળ નાખી. તે તેઓના ફાંદામાં સપડાઈ ગયો.

[9] તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.

[10] તારી માતા તારા જેવી સુંદર અને પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ફળદ્રુપ અને ડાળીઓથી ભરપૂર હતી.

[11] સત્તાધારીઓના રાજદંડોને લાયક તેને મજબૂત ડાળીઓ થઈ હતી. તેની ડાળીઓના જથ્થાસહિત તે ઊંચી દેખાતી હતી.

[12] પણ તે દ્રાક્ષાવેલાને ઈશ્વરના કોપને લીધે ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો, પૂર્વના પવનોએ તેનાં ફળો સૂકવી નાખ્યાં. તેની સુકાઈ ગયેલી ડાળીઓ ભાંગી નાખવામાં આવી અને તે ચીમળાઈ ગઈ; તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવી.

[13] હવે તેને અરણ્યમાં સૂકા તથા નિર્જળ પ્રદેશમાં રોપવામાં આવી છે.

[14] તેની મોટી ડાળીઓમાંથી અગ્નિ પ્રગટીને તેનાં ફળોને ભસ્મ કર્યા. તેના પર મજબૂત ડાળી રહી નહિ કે તેમાંથી સત્તાધારી માટે રાજદંડ બને.’ આ તો વિલાપગાન છે અને વિલાપ તરીકે તે ગવાશે.”

હઝકિયેલ — Chapters