Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:39

[1] જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.

[2] બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.

[3] વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.

[4] જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.

[5] મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;

[6] મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.

[7] મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.

[8] જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.

[9] જે માણસ પથ્થર ખસેડશે, તેને જ તે વાગશે, અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.

[10] જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.

[11] જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, તો મદારીની વિદ્યા નકામી છે.

[12] જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.

[13] તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.

[14] વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?

[15] મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.

[16] જો તારો રાજા યુવાન હોય, અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!

[17] તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, તારા હાકેમો કેફને સારુ નહી પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. ત્યારે તો તું આશીર્વાદિત છે!

[18] આળસથી છાપરું નમી પડે છે, અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.

[19] ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.

[20] રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે અને પંખી તે વાત કહી દેશે.

સભાશિક્ષક — Chapters