Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:51

[1] લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે.

[2] તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.

[3] લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે.

[4] તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો.

[5] કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.

[6] અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે.

[7] તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે.

[8] તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.

[9] જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ.

[10] તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર,

[11] મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.

[12] કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે.

[13] તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ.

[14] કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.

[15] યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું.

[16] હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, “હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં.”

[17] અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે.

[18] હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે.

[19] અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.

[20] પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે.

[21] અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?’”

[22] જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.

પુનર્નિયમ — Chapters