[1] જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
[2] મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
[3] કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
[4] મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
[5] મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
[6] તેઓએ તારા પ્રેમ વિષે મંડળી વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.
[7] કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
[8] આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.
[9] મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.
[10] તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
[11] મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
[12] દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
[13] મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
[14] પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.
[15] તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.