Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:50

[1] હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,

[2] પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્મા, વચન કે જાણે અમારા પત્રથી તમારા મનને જરાય ડગવા કે ગભરાવા દેશો નહિ.

[3] કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ.

[4] જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.

[5] શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી?

[6] તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે.

[7] કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે.

[8] પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે.

[9] શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો

[10] તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

[11] આ કારણથી ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે કે તેઓ અસત્ય પર વિશ્વાસ કરે

[12] અને તે સર્વનો ન્યાય થાય; જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ પણ અન્યાયમાં આનંદ માણ્યો.

[13] પણ પ્રભુને પ્રિય ભાઈઓ, તમારે વિષે અમારે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવી રહી, કેમ કે ઈશ્વરે તમને ઉદ્ધારના પ્રથમ ફળો તરીકે આત્માનાં પવિત્રીકરણ અને સત્યમાં વિશ્વાસથી પસંદ કરેલા છે,

[14] જેમાં ઈશ્વરે તમને અમારી સુવાર્તાદ્વારા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે બોલાવ્યા છે.

[15] માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.

[16] હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,

[17] તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.

થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર — Chapters