Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:13

[1] પ્રિયો, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ઉત્તેજીત આપવા કહું છું કે,

[2] પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.

[3] પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.

[4] અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’”

[5] કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી.

[6] તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.

[7] પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.

[8] પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.

[9] વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.

[10] પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.

[11] તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ?

[12] ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી.

[13] તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.

[14] એ માટે, પ્રિયો, આમ બનવાની આપને રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.

[15] અને ધ્યાનમાં રાખો કે આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.

[16] તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.

[17] માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.

[18] પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

પિતરનો બીજો પત્ર — Chapters