Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:05

[1] અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.

[2] ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો.

[3] એવા માણસને હું ઓળખું છું શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી, ઈશ્વર તો જાણે છે

[4] કે, તેને પારાદૈસમાં લઈ જવાયો અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી.

[5] તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.

[6] હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું.

[7] મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું.

[8] તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે.

[9] પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે.

[10] એ માટે નિર્બળતામાં, નિંદામાં, સંકટમાં, સતાવણીમાં, ખેદમાં, ખ્રિસ્તને લીધે આનંદિત રહું છું; કેમ કે જયારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.

[11] હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી.

[12] પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં.

[13] હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.

[14] જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ.

[15] પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે?

[16] સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો.

[17] શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે?

[18] મેં તિતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?

[19] આ બધાથી તમે એમ ધારો છો કે અમે તમારી સામે સ્વબચાવ કરીએ છીએ પણ એવું નથી; ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ અમે બોલીએ છીએ કે, આ સર્વ તમારા ઘડતરને માટે જ છે.

[20] કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય;

[21] પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.

કરિંથીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર — Chapters