Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:46

[1] જયારે રહાબામ યરુશાલેમ પહોંચ્યો ત્યારે તેણે પોતાનું રાજય પુન:સ્થાપિત કરવા માટે અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે યહૂદા અને બિન્યામીનના કુળમાંથી પસંદ કરેલા કુલ એક લાખ એંશી હજાર યોદ્ધાઓને ભેગા કર્યા.

[2] પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,

[3] “યહૂદિયાના રાજા અને સુલેમાનના દીકરા રહાબામને, યહૂદિયા અને બિન્યામીનમાંના સર્વ ઇઝરાયલના લોકોને કહે;

[4] ‘ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.’” તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા.

[5] રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.

[6] તેણે બેથલેહેમ, એટામ, તકોઆ,

[7] બેથ-સૂર, સોખો, અદુલ્લામ,

[8] ગાથ, મારેશા, ઝીફ,

[9] અદોરાઈમ, લાખીશ, અઝેકા,

[10] સોરાહ, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.

[11] તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા.

[12] દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.

[13] યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.

[14] લેવીઓ પોતાના ગોચર અને મિલકત મૂકીને યહૂદિયા અને યરુશાલેમ આવ્યા હતા કેમ કે યરોબામે અને તેના દીકરાઓએ તેઓને નસાડી મૂક્યા હતા કે જેથી તેઓ ઈશ્વર માટે યાજકની જવાબદારી બજાવી ન શકે.

[15] યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.

[16] તેઓની પાછળ ઇઝરાયલનાં કુળોના સર્વ લોકો, જેઓએ પોતાનાં અંત:કરણ ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરને શોધવામાં લગાવ્યાં હતાં તેઓ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરને યજ્ઞ કરવા યરુશાલેમ આવ્યા.

[17] તે લોકોના કારણે યહૂદિયાનું રાજય બળવાન થયું. તે ત્રણ વર્ષ દરમિયાન તેઓએ સુલેમાનના પુત્ર, રહાબામને બળવાન કર્યો, કેમ કે ત્રણ વર્ષ સુધી તેઓ દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યા હતા.

[18] રહાબામે માહાલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરિમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.

[19] તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.

[20] માહલાથ પછી રહાબામે આબ્શાલોમની પુત્રી માકા સાથે લગ્ન કર્યું. તેણે અબિયા, આત્તાય, ઝીઝાહ અને શલોમીથને જન્મ આપ્યો.

[21] પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબામ માકા ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી. તેના અઠ્ઠાવીસ દીકરા અને સાઠ દીકરીઓ હતી.

[22] રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો.

[23] રહાબામે કુશળતાપૂર્વક રાજ કર્યું; તેણે તેના બધા પુત્રોને યહૂદિયાના અને બિન્યામીનનાં સર્વ કિલ્લાવાળાં નગરોમાં મોકલી દીધા. તેણે તેઓને માટે ખાવાપીવાની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડી. ઘણી સ્ત્રીઓ સાથે તેઓના લગ્ન કરાવ્યાં.

2 કાળવૃતાંત — Chapters